બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ તવ્હીદની ફઝીલત
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે કે જે કોઈ સુરએ ઇખ્લાસ (સુરએ તવ્હીદ)ની તિલાવત કરે તો અલ્લાહ તઆલા તેને ફરિશ્તાઓ આસમાની કિતાબો, રસુલો અને કયામતના દિવસ પર ઇમાન લાવનારાઓ જેટલો દસ ગણો સવાબ અતા કરશે.
જે કોઈ એક વખત સુરે ઇખ્લાસની તિલાવત કરે છે તો ત્રીજા ભાગનું કુરઆન પઢવાનો સવાબ મળે છે અને જે કોઈ ત્રણ વખત આ સુરાની તિલાવત કરે તો આખા કુરાન પડવાનો સવાબ અતા કરવામાં આવશે.
સુરએ તવ્હીદ
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ﴿١﴾
(૧) કહો કે અલ્લાહ એક જ છે.
اللَّهُ الصَّمَدُ ﴿٢﴾
(૨) અલ્લાહ બેનિયાઝ છે.
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ﴿٣﴾
(૩) ન કોઈ તેની ઔલાદ છે અને ન કોઈ તેનો વાલિદ છેઃ
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ﴿٤﴾
(૪) અને ન કોઈ તેની જેવુ છે અને ન હમસર છે.
મુખ્તસર તફ્સીર:અમુક અહલે કિતાબ અને મુશરિક લોકો પયગંબર પાસે આવ્યા અને કહ્યું કે: તમારા ખુદાની અમને ઓળખાણ કરાવો. ત્યારે આ સૂરો નાઝિલ થયો આ સૂરામાં ખુદાની ઓળખાણ કરાવવામાં આવી છે. જેમાં આવ્યું છે કે અલ્લાહને ન પિતા છે, ન માતા છે, ન સંતાન છે, ન પત્ની છે ન કોઈ ભાગીદાર છે. તે પાક અને મુનઝ્ઝહ છે. આ સૂરામાં સૌથી શુદ્ધ તવ્હીદના અકીદો છે તેથી આ સુરાને તવ્હીદ અને ઇખ્લાસ કહેવામાં આવે છે.
હદીસોમાં આવ્યું છે: દરરોજ ઓછામાં ઓછું એક વખત આ સૂરો નમાઝમાં પઢો અને પછી કહો: કઝાલિક રબ્બી એટલે મારો પરવર્દિગાર એવો જ છે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે સુરએ તવ્હીદની મિસાલ અલી ઇબ્ને અબી તાલિબ જેવી છે જે વ્યક્તિ તેમને દિલથી મોહબ્બત કરે તેને 1/3 ઈમાન મળે જે દિલ અને જીભથી મોહબ્બત કરે 2/3 ઈમાન મળે અને જે દિલ, જીભ અને અમલ સાથે મોહબ્બત કરે તો સંપૂર્ણ ઈમાન મળે છે.
આ સૂરાની તિલાવત નમાઝ પછીની તઆકિબાત એટલે કે દુઆઓમાં પણ ગણાય છે. રિવાયતોમાં આવ્યું છે કે: જે વ્યક્તિ દરેક નમાઝ પછી આ સૂરો પડવાનું છોડતો નથી તો અલ્લાહ તેને દુનિયા અને આખેરતમા ભલાઈ આપે છે અને તેને, તેના માતા-પિતા અને તેની ઓલાદને માફ કરે છે.
હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહ જાણતો હતો કે આખરી જમાનામાં ઊંડા વિચાર કરનાર લોકો આવશે, તેથી સૂરે તવ્હીદ અને સૂરે હદીદની પહેલી છ આયતો નાઝિલ કરી. આ સુરાને છ અલગ અલગ દિશામાં આગળ, પાછળ, જમણે, ડાબે, ઉપર, નીચે પડવાથી માણસ ખતરાથી સુરક્ષિત રહે છે અને આફતોમાંથી અમન અને સુરક્ષા મેળવે છે.