બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ કાફેરુનની ફઝીલત
હઝરત રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમે ફરમાવ્યું છે કે જે કોઈ સુરએ કાફેરૂનની તિલાવત કરશે તો તેને ચોથા ભાગનું કુરઆન પઢવાના સવાબ અતા કરવામાં આવશે અને શૈતાનો તેનાથી દૂર ભાગી જશે.
સુરએ કાફેરુન
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ ﴿١﴾
(૧) (અય રસૂલ આપ) કહો કે અય કાફીર લોકો!
لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ﴿٢﴾
(૨) જેની તમે પૂજા કરો છો તેની ઇબાદત હું નથી કરતોઃ
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ﴿٣﴾
(૩) અને ન તમે એ મઅબૂદની ઇબાદત કરશો જેની હું ઈબાદત કરૂ છુ.
وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ﴿٤﴾
(૪) અને ન હું તમારા મઅબૂદોની પૂજા કરનારો છું જેને તમે માનો છો:
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ﴿٥﴾
(૫) અને ન તમે એ મઅબૂદની ઇબાદત કરશો જેની હું ઈબાદત કરૂ છુ.
لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ ﴿٦﴾
(૬) તમારો દીન તમારા માટે અને મારો દીન મારા માટે.
મુખ્તસર તફ્સીર: મરહુમ શૈખ તુસી કહે છે કે ઇબ્ને અબ્બાસ આ સુરા વિશે ફરમાવે છે કે આ સુરા ક્યારે અને કેવી રીતે નાઝિલ થયો? આ સૂરા તે સમયે નાઝિલ થયો જ્યારે કુરૈશના કેટલાક લોકો હઝરત રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પાસે આવ્યા અને કહ્યું: તમે એક વર્ષ અમારા દેવતાઓની પૂજા કરો અને અમે એક વર્ષ તમારા અલ્લાહની ઈબાદત કરીશું. આના જવાબમાં આ સૂરા નાઝિલ થયો અને આ લોકો વિશે કહેવામાં આવ્યું છે કે શું તમે મને અલ્લાહ સિવાય બીજાની ઈબાદત કરવાનો હુકમ આપો છો અય જાહિલ લોકો?
પછી બીજી એક રિવાયત આ પ્રમાણે પણ છે ચાલો, આપણે અને તમે બન્ને થોડો થોડો સમય એકબીજાના મઅબુદ ની ઈબાદત કરીએ જેથી આપણા વચ્ચેની દુશ્મની ખતમ થઈ જાય. કુરૈશ લોકો ઇસ્લામ સાથે સમજોતો કરવા માંગતા હતા પણ અલ્લાહે બતાવ્યું કે ઈબાદતમાં કોઈ સમજોતો નથી એટલે આ સૂરામાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે અલ્લાહ સિવાય બીજાની ઈબાદત ક્યારેય નહીં થાય.
પયગામ:
1. રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ અલ્લાહ પાસેથી આવતી વહી ના અમીન હતા એટલે કે જે શબ્દ અલ્લાહે વાપર્યો હોય તે જ શબ્દ લોકોને બતાવતા જે કૂલ રસૂલ માટે આવ્યું હતું તેને પણ રસુલ વહીના શબ્દ સાથે કુરાનમાં રાખતા અને એ જ રીતે લોકો સુધી પહોંચાડતા હતાં.
2. ખોટી ગેરવાજબી પ્રસ્તાવ સામે મોમિનને સ્પષ્ટ અને મજબૂત જવાબ આપવો જોઈએ.
3. એકતા અને વેહદતના નામે દીનની બુનિયાદ અને અકીદાને ન છેડવો જોઈએ.
4. કાફિરોને સ્પષ્ટ કહી દેવું કે મુસલમાનો ક્યારેય પોતાના ઈમાનમાંથી પાછા નહીં ફરે એટલે તેઓ માયુસ થઈ જાય.
5. કાફિરો થી અલગ છીએ તો તેની સામે પોતાની અલગ ઓળખ જાહેર કરવી અને તેને દોહરાવવી જોઈએ.
6. દીનના મામલામાં સોદો, સમજોતા કે નરમાઈ કરવી નહીં. અને પોતાનો અકીદો વારંવાર દોહરાવવો પણ જોઈએ.
7. લોકોને ખુશ કરવા માટે ખોટી રીત અપનાવવી જોઈએ નહીં. અને લોકોને સારું લાગે તેના માટે હા માં હા કરવી નહીં.
8. કુરઆન ગૈબની ખબર આપે છે અને જે લોકો આ સમજોતા લઈને આવ્યા હતા તેમાંથી એક પણ મુસ્લમાન થયું નહીં અને ઈમાન લાવ્યા નહીં.
9. નેતૃત્વ માટે મજબૂત સ્થિરતા જરૂરી છે.
10. અલ્લાહની ઈબાદત જ મોમિન અને કાફિર વચ્ચેનો મુખ્ય ફરક છે.
11. માણસને ધર્મ અને દીન પસંદ કરવાની છૂટ છે જબરદસ્તી નથી. તમારો દીન તમારા માટે અને મારો દીન મારા માટે.
12. હક અને બાતિલને સ્પષ્ટ રીતે અલગ કરવું જોઈએ.
13. દરેકનો મઅબૂદ તેની દીનની ઓળખ બતાવે છે.