બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
સુરએ નસ્રની ફઝીલત
હઝરત રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમે ફરમાવ્યું છે કે જે કોઈ સુરએ કાફેરૂનની તિલાવત કરશે તો તેને ચોથા ભાગનું કુરઆન પઢવાના સવાબ અતા કરવામાં આવશે અને શૈતાનો તેનાથી દૂર ભાગી જશે.
સુરએ નસ્ર
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુજ રહેમ કરવા વાળો છે
إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ ﴿١﴾
(૧) જ્યારે અલ્લાહની મદદ અને જીત (ફત્હ) આવી પહોંચશેઃ
وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا ﴿٢﴾
(૨) ત્યારે તમે જોઈશો કે લોકોના ગિરોહ-ગિરોહ (લશ્કર પછી લશ્કર) અલ્લાહના દીનમાં દાખલ થશે.
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ﴿٣﴾
(૩) માટે તમે તમારા પરવરદિગારની તસ્બીહ કરો, અને તેની બારગાહમાં ઇસ્તેગફાર કરો; બેશક તે ખુબજ વધારે તૌબાનો કબૂલ કરનાર છે.
મુખ્તસર તફ્સીર:જ્યારે અલ્લાહની મદદ આવી અને જીત (ફ) નસીબ થઇ અને મક્કા ફત્હ કરી લેવામાં આવ્યું તો તેઓમાંથી અમુક મક્કાથી ભાગી ગયા અને કેટલાક લોકોએ પોતાના હથિયાર મૂકી દીધા ત્યારબાદ અરબના કબીલા અને સમૂહ, જૂથ દર જૂથ અને ટોળા પછી ટોળા. ઇસ્લામ દીનમાં દાખલ થવા લાગ્યા ત્યારે અલ્લાહે આ સૂરા નાઝિલ કર્યો
કેટલાક લોકો ઇસ્લામની સચ્ચાઈને કારણે ઈમાન લાવ્યા, જ્યારે કેટલાક લોકો ડરથી માત્ર બહારથી મુસલમાન બન્યા જેમ કે અબૂ સુફિયાન વિશે કિતાબોમાં જોવા મળે છે:અબુ સુફીયાન સાચા અર્થમાં મુસલમાન થયો નહતો, માત્ર તે જાહેરમાં મુસલમાન થયો હતો પરંતુ અંદરથી કાફિર હતો જેને મુનાફિક ભી કેહવાય.
જ્યારે મક્કા ફત્હ થયું અને મુસ્લમાનોએ જીત મેળવી લીધી ત્યારે રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમને તે દિવસ યાદ આવે છે જ્યારે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ મક્કામાંથી છુપાઈને નીકળ્યા હતા કેમકે મક્કાના કાફિરો આપને કતલ કરવાનો ઇરાદો રાખતા હતા. ત્યારે આપે મદીના હિજરત કરી હતી.
અને હવે જ્યારે મક્કામાં જીત મેળવે છે ત્યાર બાદ આપ અલ્લાહનો શુક્ર કરી સજદો કરે છે અને આ સૂરા ફત્હની તિલાવત કરતા મસ્જિદુલ હરામમાં દાખલ થાય છે અને મુસલમાનો પણ આપની સાથે તકબીર કહેતા કહેતા મસ્જિદમાં દાખલ થાય છે.
આપ કઅબા નજીક આવ્યા અને બૂતોને તોડવા લાગ્યા અને આ આયત પઢતા ગયા. હક આવી ગયું અને બાતિલ ખતમ થઇ ગયું બેશક બાતિલ તો ખતમ થવાનું જ છે. અને જ્યાં આપનો હાથ કઅબા ઉપર મોટી મૂર્તિઓ સુધી ન પહોંચ્યો તેના માટે આપે હઝરત અલી અલય્હિસ્સલામને હુકમ આપ્યો કે મારા ખંભા પર ચઢો અને આ મૂર્તિઓને નીચે પાડી દો ત્યારબાદ નબી કરીમે કઅબાનો દરવાજાને પકડીને મક્કાના લોકોને પૂછ્યું: આજે તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો? તો બધાએ જવાબ આપ્યો: માફી. આ સાંભળીને નબીએ કરીમની આંખોમાં આંસુ આવી ગયા અને લોકો પણ રડી પડ્યા. ત્યારબાદ આ આયત પડી આજે તમારે ઉપર કોઈ જબરદસ્તી કે ઠપકો નથી. પછી નબી કરીમે ફરમાવ્યું: તમારા બધા માટે આઝાદી છે અને તમને માફ કરવામાં આવ્યા ત્યારબાદ આપે તૌહિદ નો કલમો પડ્યો અને ફરમાવ્યું કે ભૂતકાળમાં જે ખૂનખરાબા થયા કે માલ લૂંટાયો તેની કોઈ વાત હવે નહીં થાય. બધા જૂના મામલા બંધ કરી દેવામાં આવે છે અને બધાને સામાન્ય માફી આપવામાં આવે છે હવે તમે એક નવી જિંદગી શરૂ કરો.
કુરઆનમાં દાખલ થવું માટે બે પ્રકારનો ઉલ્લેખ આવ્યો છે. એક તો લોકો દીનમાં દાખલ થાય છે, જેમ આ સૂરામાં કહેવામાં આવ્યું છે: તેઓ અલ્લાહના દીનમાં દાખલ થાય છે અને બીજું છે ઈમાન દિલમાં દાખલ થવું, જેમ સૂરા હુજરાતમાં કહેવામાં આવ્યું છે કે હજુ ઈમાન તમારા દિલોમાં દાખલ થયું નથી. એટલે કે માત્ર બહારથી મુસલમાન બનવું પૂરતું નથી, સાચું ઈમાન દિલમાં હોવું જોઈએ. હદીસમાં આવ્યું છે કે જ્યારે ઇમામ મહદી અલય્હિસ્સલામ ઝુહૂર કરશે ત્યારે દુનિયાના લોકો ફોજ દર ફોજ થઈને તેમના પર ઈમાન લાવશે. સાચી મદદ અને જીત ફક્ત અલ્લાહ તરફથી જ મળે છે, તેથી માણસે પોતાની તાકાત સાધનો અથવા માણસોની સંખ્યા પર ગર્વ ન કરવું જોઈએ. ઘણી વખત બધું હોવા છતાં પણ હાર થઈ શકે છે, કારણ કે જીત અલ્લાહના હાથમાં છે.
ઇસ્તિગફાર એટલે અલ્લાહ પાસે માફી માંગવાનો હુકમ પણ અનેક હિકમતોથી ભરેલો છે તે દિલને વધુ નૂરાની બનાવે છે, જીત પછી આવતો ગર્વ દૂર કરવા માટે હોય છે, અથવા ઉમ્મતના ગુનાહોની માફી માટે હોય છે, અથવા નબી અને અલ્લાહ વચ્ચેની મહાન ઓળખ અને મઅરફતના કારણે હોય છે. કહવામાં આવે છે કે આ સૂરા તરતીબી રીત પ્રમાણે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પર આખરી સૂરો છે આ સૂરા નાઝિલ થયા પછી રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ એક વર્ષ આસપાસ આ દુનિયાની જિંદગીમાં રહ્યા.