←
સજ્દએ શુક્ર
અક્ષરોની સાઇઝ:

તઅકીબાતે નમાઝ

શુક્રનો સજદો

નમાઝ પછી શુક્રનો સજદો કરવો બહુ વધારે સવાબ છે અને તાકીદ સાથે મુસ્તહબ છે. તેના માટે ઘણી દુઆઓ અને ઝિક્રો રિવાયત થયા છે.

હઝરત ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ફરમાવે છે કે શુક્રના સજદામાં ઇચ્છો તો સો વખત

شُكْرًا شُكْرًا

અથવા સો વખત

عَفْوًا عَفْوًا

કહો અને ઓછામાં ઓછું ત્રણ વખત

شُكْرًا لِلّٰهِ

કહેવું જોઈએ.
જ્યારે નમાઝની તાઅકીબાતથી ફારિગ થાઓ ત્યારે શુક્રનો સજદો અદા કરો. આ બાબત પર શિયા ઓલમાઓનો ઇજ્મા છે કે સજદએ શુક્ર કોઈ નેઅમત મળવા અથવા કોઈ મુસીબત દૂર થવા સમયે અદા કરવો જોઈએ અને તેનો સૌથી બેહતરીન સમય નમાઝ પછી છે.

નમાઝ અદા કરવાની તૌફીક મળવા પર શુક્રનો સજદો કરવામાં આવે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ મોઅતબર સનદ સાથે ફરમાવે છે કે મારા વાલિદે બઝુર્ગવાર ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ જ્યારે પણ અલ્લાહની કોઈ નેઅમતને યાદ કરતા તો તેના શુક્રાના તરીકે શુક્રનો સજદો અદા કરતા. જ્યારે પણ સજદાની આયત તિલાવત કરતા તો સજદો કરતા. જ્યારે કોઈ બુરાઈ અથવા મુશ્કેલીનો ખૌફ થતો અને અલ્લાહ તેને દૂર કરી દેતો ત્યારે પણ શુક્રનો સજદો અદા કરતા. જ્યારે પણ વાજિબ નમાઝથી ફારિગ થતા ત્યારે શુક્રનો સજદો કરતા. અને જ્યારે બે માણસો વચ્ચે સુલેહ સમાધાન કરાવતા ત્યારે પણ તેના માટે શુક્રનો સજદો અદા કરતા. આપના સજદાના બધા ભાગ પર સજદાના નિશાન હતા, એ માટે જ આપને સજ્જાદ કહેવામાં આવે છે.
સહિહ સનદ સાથે હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામથી રિવાયત છે કે જે વ્યક્તિ નમાઝ સિવાય કોઈ નેઅમત મળવા પર અલ્લાહ માટે શુક્રનો સજદો અદા કરે તો અલ્લાહ તઆલા તેના નામે દસ નેકીઓ લખે છે, દસ ગુનાહો મિટાવી દે છે અને જન્નતમાં તેના દસ દરજ્જા બુલંદ કરી દે છે.

(બાકીયાતુસ સાલેહાત)
બીજી ઘણી મોઅતબર રિવાયત ઈમામ સાદિક અલય્હિસ્સલામથી મનકૂલ છે કે બંદો અલ્લાહને સૌથી વધારે નજીક એ સમયે હોય છે જ્યારે તે સજદાની હાલતમાં હોય અને રડી રહ્યો હોય.

એક બીજી સહીહ હદીસમાં ઇમામ ફરમાવે છે કે સજદએ શુક્ર દરેક મુસલમાન પર જરૂરી છે. તેનાથી નમાઝ સંપૂર્ણ થાય છે, પરવરદિગારે આલમ રાજી થાય છે અને ફરિશ્તાઓ આવી ઇબાદત પર આશ્રય કરે છે.
મુવસ્સક સનદ સાથે ઈમામ અલી રઝા અલય્હિસ્સલામથી રિવાયત છે કે વાજીબ નમાઝ પછી સજદે શુક્ર કરવું એ આ વાતનો શુક્ર છે કે અલ્લાહે પોતાના બંદાને પોતાની ફરજ અદા કરવાની તૌફીક આપી.

આ સજદામાં ઓછામાં ઓછું ત્રણ વખત

شُكْرًا لِلّٰهِ

કહેવું જોઈએ.
આ સજદો કોઈપણ રીતે કરવામાં આવે તો અદા થઈ જાય છે પરંતુ એહતિયાત મુજબ માણસ જમીન પર સજદો કરે અને નમાઝના સજદામાં જેવી રીતે શરીરના સાત અંગો જમીન પર રાખે છે તે રીતે જ કરે. મુસ્તહબ છે કે પહેલા કપાળ જમીન પર મૂકે, પછી જમણો ગાલ જમીન પર મૂકે ત્યારબાદ ડાબો ગાલ જમીન પર મૂકે અને પછી ફરી કપાળ જમીન પર મૂકે. આ કારણથી તેને સજદે શુક્રના બે સજદા પણ કહેવામાં આવે છે.

જાહેર રીતે આ સજદો કોઈ ખાસ ઝિક્ર વગર પણ અદા થઈ જાય છે પરંતુ ઝિક્ર પડવું મુસ્તહબ છે. વધુ સારું એ છે કે રિવાયતોમાં જે ઝિક્ર અને દુઆઓ નકલ થઈ છે તે પડાવમાં આવે અને આ સજદાને લાંબો કરવો પણ મુસ્તહબ છે.
ઓયૂન અખબારે રેઝામાં રિવાયત છે કે ઇમામ અલી રઝા અલય્હિસ્સલામ ખુરાસાનમાં જ્યારે નમાઝે ઝોહરની તઅકીબાતથી ફારિગ થતા, ત્યારે સજદામાં જઈને સો વખત કહેતા: شُكْرًا لِلّٰہ
અને જ્યારે નમાઝે અસરની તઅકીબાતથી ફારિગ થતા ત્યારે સજદામાં સો વખત કહેતા: حَمْدًا لِلّٰہ

شُكْرًا لِلّٰهِ

શુક્રન લિલ્લાહે (અલ્લાહનો શુક્ર છે)

حَمْدًا لِلّٰهِ

હમ્દન લિલ્લાહે (અલ્લાહની હમ્દ છે)

શેખ કુલૈની મોઅતબર સનદ સાથે ઇમામ જાફર સાદિક અલય્હિસ્સલામથી રિવાયત કરે છે કે બંદો પોતાના પરવરદિગાર સાથે સૌથી વધુ નજીક ત્યારે હોય છે જ્યારે તે સજદાની હાલતમાં હોય અને તેને પોકારે તેની સાથે રાઝો નિયાઝ કરે. પછી જ્યારે સજદે શુક્ર કરે ત્યારે કહે:

يَا رَبَّ الْاَرْبَابِ، وَيَا مَلِكَ الْمُلُوْكِ وَيَا سَيِّدَ السَّادَاتِ وَيَا جَبَّارَ الْجَبَابِرَۃِ، وَيَا اِلٰہَ الْاٰلِھَۃِ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَاٰلِہٖ

અય પરવરદિગારોના પરવરદિગાર, અય બાદશાહોના બાદશાહ, અય સરદારોના સરદાર, અય જબ્બારોના જબ્બાર, અય માબૂદોના માબૂદ! હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ પર રહમત નાઝિલ ફરમા.

શેખ કુલૈની રહમતુલ્લાહ અલેય્હ મુઅતબર સનદ સાથે ઇમામ મૂસા કાઝિમ અલય્હિસ્સલામથી રિવાયત કરે છે કે આપ સજદામાં આ દુઆ પઢતા હતા:

ٲَعُوْذُ بِكَ مِنْ نَارٍ حَرُّهَا لَا يُطْفَأُ وَٲَعُوْذُ بِكَ مِنْ نَارٍ جَدِيدُهَا لَا يَبْلَى وَٲَعُوْذُ بِكَ مِنْ نَارٍ عَطْشَانُهَا لَا يُرْوَى وَٲَعُوْذُ بِكَ مِنْ نَارٍ مَسْلُوبُهَا لَا يُكْسَى

અય પરવરદિગાર! હું તારી પનાહ માંગુ છું એવી આગથી જે ક્યારેય ઓછી નહીં થાય, અને હું તારી પનાહ માંગુ છું એવી આગથી જે હંમેશા નવી જ રહેશે અને ક્યારેય જૂની નહીં થાય, અને હું તારી પનાહ માંગુ છું એવી આગથી જેમાં તરસ્યા લોકોને ક્યારેય સૈરાબ નહીં મળે, અને હું તારી પનાહ માંગુ છું એવી આગથી જેમાં નિર્વસ્ત્ર લોકોને વસ્ત્રો આપવામાં નહીં આવે.

શેખ કુલૈની મોવસ્સક સનદ સાથે ઇમામ જાફર સાદિક અલય્હિસ્સલામથી રિવાયત નકલ કરે છે કે આપે ફરમાવ્યું: એક રાત્રે મેં મારા પિતા ઇમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામને મસ્જિદમાં સજદાની હાલતમાં રડતા રડતા આ દુઆ પઢતા સાંભળ્યા:

سُبْحَانَكَ اَللّٰھُمَّ ٲَنْتَ رَبِّیْ حَقًّا حَقًّا سَجَدْتُ لَكَ یَا رَبِّ تَعَبُّدًا وَرِقًّا اَللّٰھُمَّ اِنَّ عَمَلِیْ ضَعِیْفٌ فَضَاعِفْہُ لِیْ اَللّٰھُمَّ قِنِیْ عَذَابَكَ یَوْمَ تَبْعَثُ عِبَادَكَ وَتُبْ عَلَیَّ اِنَّكَ ٲَنْتَ التَّوَّابُ الرَّحِیْمُ

અય અલ્લાહ! તું પાક છે ખરેખર તું જ મારો પાકો સાચો પરવરદિગાર છે. અય મારા પરવરદિગાર! મેં તારી ઇબાદત અને બંદગી માટે તને સજદો કર્યો છે. અય અલ્લાહ! બેશક મારો અમલ નબળો છે તેથી તે દિવસે તેને મારા માટે વધારી દે. અય અલ્લાહ! જે દિવસે તું પોતાના બંદાઓને ફરી જીવતા કરશે તે દિવસે મને પોતાના અઝાબથી બચાવજે. અને મારી તૌબા કબૂલ કર કે બેશક તું બહુ તૌબા કબૂલ કરનાર અને ખુબજ મહેરબાન છે.