અય અલ્લાહ ! અય તે જે નેઅમતો આપવા બદલ બદલો નથી ચાહતો અને નેઅમતો આપીને પછતાવો નથી કરતો, અય તે જે બંદાઓને તેમના અમલ પ્રમાણે માપીને બદલો નથી આપતો, બંદાઓ ઉપર તારી નેઅમતોનો એહસાન શરૂથી જ છે, તેમજ તારૂ માફ કરવું પણ મોટો એહસાન છે, મારા ગુનાહો ઉપર સઝા દેવું તારા અદલ મુજબ છે, મારા વિષે તારા ફેસલા બહેતર જ છે, જ્યારે તું બંદાને આપે છે તો એહસાન જતાવતો નથી, અને જો નથી આપતો તો તે ઝુલ્મના લીધે નથી, જે તારો શુક્ર અદા કરે તેને તું બદલો આપે છે, જ્યારે કે તું જ તેના દિલમાં શુક્ર કરવાની વાત નાખી છે, જે તારા વખાણ કરે તેને તું બદલો આપે છે જ્યારે કે વખાણ કરવાની તાલીમ તુંજ આપી છે,
બંદાના ગુનાહોને છુપાવીને મોટો એહસાન કર્યો છે જો તું ચાહે તો બદનામ પણ કરી શકે, તું લોકો ઉપર મહેરબાની કરે છે જો તું ચાહે તો મહેરબાનીને રોકી પણ શકે છે, તે બંને તારી અદાલતની બારગાહમાં બદનામ થવાના લાયક હતા, બેશક તારા કામોને ફઝલો કરમથી કરે છે, અને તારી હુકુમત માફી અને દરગુજરથી ચલાવે છે, જે કોઈ તારી નાફરમાની કરે તેના સાથે સખ્તી નથી કરતો, જે કોઈ પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે તેને (સુધરવાની) મોહલત આપે છે, અને જ્યાર સુધી તારી તરફ પાછો ન આવી જાય ત્યાર સુધી તારી મહેરબાનીથી તેને મોહલત આપે છે, તૌબા કરી લે તે માટે સઝા દેવામાં જલ્દી નથી કરતો, કેમ કે જેઓ હલાકતના લાયક છે તેઓ તારી ઈચ્છા વિરૂધ હલાક ન થઈ જાય, અને કોઈ બદનસીબ નેઅમતના લીધે લાંબી મોહલતથી દુર ન રહી જાય, જેથી તેના ઉપર પૂરી રીતે હુજ્જત તમામ થઇ જાય, વારંવાર ચેતવણી પછી પણ અય મહેરબાન, અય કરીમ માલીક, તું જ છે જે તારી માફી અને તારી બહોળી રહેમતના વાસ્તાથી બંદાઓ માટે માફીનો દરવાજો ખોલ્યો છે જેનું નામ તૌબા છે, તું આ (તૌબા) દરવાજાની હિદાયત માટે તારી વહીને નાઝીલ કરી છે, જેથી લોકો આ દરવાજાથી દૂર ન થઈ જાય,
અય બાબરકત નામના માલીક તું જ ફરમાવ્યું છે કે “અલ્લાહની બારગાહમાં સાચા દિલથી તૌબા કરો, આશા છે કે તમારો રબ તમારા ગુનાહોને માફ કરે, અને તમને તે જન્નતમાં દાખલ કરે જેના નીચે નહેરો વહે છે, તે દિવસે અલ્લાહ, તેના રસુલ સ. અને મોમીનોને ઝલીલ નહી થવા દે, બલકે તેમનું નૂર તેમના આગળ આગળ અને જમણી તરફ ચાલતું હશે, અને તે લોકો કહેતા હશે કે અય અમારા પરવરદીગાર અમારા નૂરને કામિલ કર, અને અમને માફ કર, બેશક તું દરેક ચીઝ ઉપર કુદરત રાખે છે”,
જો હવે કોઈ આ ઘરમાં દાખલ થવાથી ગફલત કરે તેના માટે શું બહાનું હોય શકે ? જયારે કે દરવાજો ખુલ્લો અને હિદાયત મૌજુદ છે,
અય મહેરબાન ખુદા ! તું જ છે જે તારા બંદાઓને વધારે લાભ આપે છે અને ચાહે છે કે લોકો તારાથી વેપાર કરે, તેમાં બંદાઓને વધારે લાભ થાય, જેથી તારા તરફ આવવામાં અને વધારે લાભ મેળવવામાં કામીયાબી મળે,
તું બાબરક્ત અને બુલંદ મકામ વાળો છે, ફરમાવે છે કે “જે મારા પાસે નેકી લઈને આવશે તેને દસ ઘણો બદલો આપીશ, અને જે બુરાઈ કરશે તો તેને બુરાઈની સઝા બુરાઈ જેટલી જ મળશે, તેના સિવાય બીજું કઈ નહિ મળે,” અને ફરમાવ્યું કે “જે લોકો અલ્લાહની રાહમાં પોતાનો માલ ખર્ચ કરે છે, તેમની મીસાલ તે દાણા જેવી છે જેનાથી સાત આંબીઓ નીકળે અને દરેક આંબીમાં સો સો દાણા હોય અને અલ્લાહ જેને ચાહે તેને વધારો કરીને આપે છે,” અને તારૂં ફરમાન છે કે “કોણ છે જે અલ્લાહ ને કર્ઝે હસના આપે જેથી ખુદા એના માલને કેટલાય ઘણો વધારે કરીને પાછો આપે,” અને કુરઆનની બીજી આયતોમાં પણ આ પ્રમાણે નેકીઓના વધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
અય મારા માલીક ! તું એજ છે જે વહી અને ગૈબના કલામમાં હિંમત આપી છે અને જે કામોમાં તારા બંદાઓ માટે ફાયદો હોય તેવા કામો કરવાનો રસ્તો બતાવ્યો છે, જો તેમને ન બતાવું હોત તો કોઈ વખત તેમની આંખો ન જોઈ શકત, તેમના કાન ક્યારેય સાંભળી ન શકત અને તેમના વિચાર ત્યાં સુધી પહોંચી પણ ન શકત, તારૂં ફરમાન છે કે “તમે મને યાદ કરો હું પણ તમને યાદ કરીશ અને મારો શુક્ર અદા કરો અને નાશુક્રી ન કરો,” અને તારૂં ફરમાન છે કે “જો મારો શુક્ર કરશો તો હું યકીનન તેમાં વધારો કરીશ અને નાશુક્રી કરશો તો યાદ રાખો કે મારો અઝાબ સખ્ત છે,” અને તારૂં ફરમાન છે કે “તમેં મને પુકારો હું તમને જવાબ આપીશ, જે લોકો ઘમંડના લીધે મારી ઈબાદતથી મોઢું ફેરવી લે છે તે બહુજ જલ્દી ઝલીલ થઇને જહન્નમમાં દાખલ થશે,” તારી પાસે દુઆ કરવાનું નામ ઈબાદત રાખ્યું છે અને તેને છોડવું ઘમંડ છે અને દુઆને છોડવા ઉપર જહન્નમમાં ઝલીલ થઇને દાખલ થવાથી ડરાવ્યા છે, તેથી તારી નેઅમતોના લીધે તને યાદ કર્યા, તારા ફઝલો કરમના કારણે તારો શુક્રિયા અદા કર્યો, અને તારા હુકમને માનીને તે મુજબ તને પોકાર્યા, અને નેઅમતોમાં વધારો કરવા માટે તારા નામ ઉપર સદકો આપ્યો, તારૂ આ રસ્તો દેખાડવાના લીધે તારા ગઝબથી બચી ગયા અને તારી ખુશનુંદી સુધી પહોંચ્યા, અય મારા માલીક ! જે વાતો તું તારા બંદાઓને બતાવી છે અગર કોઈ મખ્લુક બીજી મખ્લુકને બતાવી હોત તો તે વખાણના લાયક બની જાત, બેશક તમામ વખાણતો ફકત તારા માટે જ છે, જ્યાર સુધી તારા વખાણ માટે કોઈ રસ્તો બાકી રહે, જ્યાર સુધી તારા વખાણ માટે કોઈ શબ્દો બાકી રહે કે જેનાથી તારા વખાણ થઇ શકે, અથવા એવું કોઈ કામ જાહેર થાય કે જેનો અર્થ તારા હમ્દ માટે થતો રહે,
અય તે જે પોતાના ફઝલો કરમથી બંદાઓ ઉપર અહેસાન કરે છે, તેમજ ભલાઈ તથા રહેમત નાઝીલ કરે છે, અય મારા અલ્લાહ ! અમારા ઉપર તારી ઘણી બધી નેઅમતો જાહેર છે ! અમારા ઉપર તારા એહસાનો કેટલાય વધારે છે ! અને કેટલી હદ સુધી અમારા ઉપર તારા ઇનામ અને અહેસાનો જારી કર્યા છે !
અય મારા માબુદ ! તારા ચૂંટેલા દિનની અમોને હિદાયત કરી અને તારી પસંદીદા મિલ્લતમાં શામિલ કર્યા, તેમજ તારા નજીક થવા માટે તથા તારા સુધી પહોચવા માટે તારા આસાન રસ્તાની હિદાયત કરીને બસીરત અતા કરી,
અય મારા અલ્લાહ ! તમામ વાજીબાતમાંથી એક ખાસ માહે રમઝાન છે, જેની ઇબાદતોને બીજા મહિનાઓ કરતા વધારે ફઝીલત આપી, તમામ ઝમાના અને સમય કરતા મહાન બનાવ્યો કેમ કે તેમાં કુરઆન અને નૂરને નાઝીલ કર્યું, અને તે મહિનામાં ઈમાનમાં વધારો કર્યો, તેમજ રોઝા રાખવા વાજિબ કર્યા, રાતના સમયે ઇબાદતો કરવાનો શૌખ આપ્યો, અને તેમાં શબે કદ્ર પણ રાખી જે હઝાર મહિના કરતા બહેતર છે,
અય મારા અલ્લાહ ! આ મહિના થકી અમોને બીજી ઉમ્મતો ઉપર ફઝીલત આપી અને બીજી ઉમ્મતોમાંથી અમોને આ ફઝીલત માટે ખાસ ચૂટેલ છે, તેથી અમે પણ તારા હુકમ મુજબ દિવસોમાં રોઝા રાખ્યા અને રાતોમાં ઈબાદત કરી, અમે રોઝા અને ઇબાદતો થકી તારી બારગાહથી રહેમત જે અતા કરે છે તે હાસિલ કરવા હાજર થયા, અને તારો અજરો સવાબ હાસિલ કરી શકીએ, તારી બારગાહમાં જે વસ્તુ માંગવામાં આવે તેને તું આપવા ઉપર કુદરત રાખે છે, અને તારા ફઝલથી જે કઈ પણ માંગવામાં આવે તેને તું બેહિસાબ આપે છે, જે તારાથી નજીક થવા માંગે તેનાથી તું નજીક જ છે,
ખરેખર આ મહિનો અમારા વચમાં એવો રહ્યો જે વખાણના લાયક છે, તે અમારો સારો સાથ આપ્યો, અને દુનિયાના બહેતરીન ફાયદાઓ પહોચાડ્યો, હવે જયારે તેનો સમય પૂરો થતાં અને મુદ્દત ખતમ થતાં, તેના દિવસો પૂરા કર્યા પછી તે અમારાથી જુદા થઇ રહ્યો છે, તો હવે એને એ રીતે વિદાય કરીએ છીએ જેને રૂખસત કરવું અમને બહુજ અઘરૂ લાગે છે, જેની જુદાઈ અમોને ઉદાસ બનાવે છે, અને તન્હાઈનો એહસાસ થાય છે, તેના વિષે જવાબદારી અમોને પૂરી કરવી જોઈએ તથા તેના હકને અદા કરવો જોઈએ,
માટે અમે કહીએ છીએ તારા ઉપર સલામ ! અય અલ્લાહના બુઝુર્ગ મહિના, અને અય અલ્લાહના દોસ્તોની ઈદ, તારા ઉપર સલામ ! અય બહેતરીન દોસ્ત, તારા ઉપર સલામ ! અય મુબારક મહિના જેમાં ઉમ્મીદો પૂરી થાય છે અને નેક કામો વધારે થાય છે, તારા ઉપર સલામ ! જેનું હોવું સારા સાથીના જેમ હતું, અને જેની વિદાય થવાથી તેની ગેરહાજરીથી ઘણું દુખ થયું, તારા ઉપર સલામ ! અય ઉમ્મીદ પૂરી થવાના સાધન, જેની જુદાઈથી તકલીફ થઇ, તારા ઉપર સલામ ! અય દોસ્ત જે આવવાની સાથેજ દોસ્ત બની ગયો, તથા અમોને ખુશ કર્યા, અને વિદાય વખતે અમોને તન્હાઈનો એહસાસ થાય છે અને ગમગીન બનાવી દીધા, તારા ઉપર સલામ ! અય પાડોશ, જેની બાજુમાં દિલ નરમ અને ગુનાહ ઓછા થયા, તારા ઉપર સલામ ! અય મદદગાર જે શૈતાનના મુકાબલામાં અમારી મદદ કરી, અય સાથી જે સારા અમલ માટે રસ્તો આસાન કર્યો, તારા ઉપર સલામ ! અય માહે રમઝાન તારા સમયમાં અલ્લાહ તરફથી આઝાદ કરેલા બંદાઓ કેટલા વધારે હતા, તે કેટલા ખુશનસીબ છે જેઓ તારી ઇઝ્ઝતનો ખયાલ રાખ્યો, તારા ઉપર સલામ ! તું કેટલા બધા ગુનાહોને સાફ કર્યા અને જાત જાતની ભૂલોને છુપાવી, તારા ઉપર સલામ ! તું ગુનેહગારો માટે બોજ અને મોમીનો માટે આશાનું કિરણ હતો, તારા ઉપર સલામ ! અય મુબારક મહિના તારા સરખામણીમાં બીજા દિવસો નથી આવી શકતા, તારા ઉપર સલામ ! અય મહિના જેમાં દરેક રીતે સલામતી અને શાંતિ હતી, તારા ઉપર સલામ ! જેનો સાથ સારો હતો અને બોજ અને નાપસંદ ન હતો, તારા ઉપર સલામ ! તું બરકતો લઈને અમારા પાસે આવ્યો અને અમારા ગુનાહોની ગંદગીને ધોઈ નાખી, તારા ઉપર સલામ ! અમે તને એ માટે વિદાય નથી કરતા કે અમે તારાથી કંટાળી ગયા છે, અને એ માટે રોઝા નથી છોડી રહ્યા કે અમારા માટે બોજ છે, તારા ઉપર સલામ ! તારા આવવાનો ઇન્તેઝાર કરવામાં આવે છે અને વિદાયના સમય પહેલા તારી વિદાયનો રંજ થાય છે, તારા ઉપર સલામ ! તારા આવવાથી કેટલી ખરાબીઓ અમારા વચમાંથી દૂર થઇ અને કેટલી બરકતો અમારા માટે નાઝીલ થઇ, તારા ઉપર સલામ અય માહે રમઝાન ! અને શબે કદ્ર ઉપર કે જે હઝાર મહિનાથી બહેતર છે, તારા ઉપર સલામ ! ગઈ કાલે તારાથી કેટલો લગાવ હતો અને આવતી કાલે કેટલા ગમગીન હશું, તારા ઉપર સલામ ! અમે તારી ફઝીલાતોથી મહેરૂમ થઇ રહ્યા છે, અને બરકતો અમારા પાસેથી ખતમ થઇ રહી છે,
અય અલ્લાહ ! અમે આ મહિનાથી મખસુસ છીએ જેના લીધે તું અમોને આ ફઝીલત આપી, તારી મહેરબાની થકી તેને સહી રીતે ઓળખવાની તૌફીક આપી, જ્યારે કે કમનસીબ લોકો તેની ફઝીલતથી બેખબર રહ્યા, અને પોતાની કમનસીબીના લીધે તેની ફઝીલતથી મહેરૂમ રહી ગયા, તું જ મૌલા છે કે અમોને માહે રમઝાનની મારેફત આપી, અને તેના અહેકામ ઉપર ચાલવા માટે અમારી હિદાયત કરી, બેશક તારી તૌફિકના લીધે માહે રમઝાનમાં રોઝા રાખી શક્યા, તથા રાતોમાં ઈબાદત કરી શક્યા, જ્યારે કે તેમાં ઘણી કોતાહીઓ કરી, તેમાં તો ઘણું બજાવી લાવવા જેવું હતું જેમાંથી અમે તો થોડુ જ બજાવી શક્યા,
તેથી તારા વખાણ કરીએ છીએ, અય મારા અલ્લાહ ! અમે અમારા ખરાબ અમલનો ઈકરાર કરીને કબુલ કરીએ છીએ કે અમે તકને વેડફી નાખી, અને તારી સામે દિલથી પછતાઈ રહ્યા છે, અને ઝબાનથી પણ માફી માંગીએ છીએ, અમારા અમલોમાં જે ખામીઓ રહી ગઈ છે તેનો અમોને બદલો અતા કર કે જેથી તારી બરગાહમાં પસંદીદા ફઝીલત મેળવી શકીએ, અને તારી રહેમતના ખઝાનામાંથી અનેક ઘણો અજર પામી શકીએ,
અમારાથી તારા હકમાં જે જે કોતાહી અને કમી રહી ગઈ હોય તેને માફ કર, અને અમોને આવતા માહે રમઝાન કરતા લાંબી જીંદગી અતા કર, જ્યારે તે વખત આવી જાય તો અમારી મદદ કર જેથી એવી ઇબાદતો અંજામ આપીએ જેવી કરવી જોઈએ, અને એવી ઇતાઅત કરવાની તૌફીક અતા કર જેવી ઇતાઅત કરવાનો તારો હક છે, અમારાથી એવા નેક અમલ કરવાનો સિલસિલો જારી કર કે તમામ મહિના કરતા આ બે મહિના ( આ માહે રમઝાન અને આવતો માહે રમઝાન) નો હક અદા થઇ જાય,
અય અલ્લાહ ! જે કોઈ પણ નાના, મોટા ગુનાહો અમે કર્યા હોય, અથવા જે કઈ પણ ખતા તથા ખરાબ કામો થઇ ગયા હોય, ભલે પછી જાણી જોઇને હોય કે ભૂલથી, પોતાના ઉપર ઝુલ્મ કર્ય હોય યા બીજાનું અપમાન કર્યું હોય, બસ તું મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝી ફરમાવ અને અમોને તારા પડદા થકી અમોને ઢાંકી દે, તારી મગફેરતના વાસ્તાથી અમારા ગુનાહો માફ કર,
તેના કારણે, મેણા મારનારની આંખો સામે અમોને ઉઘાડા ન કર, તેમજ કડક બદનામ કરનારાઓની ઝબાનોને અમારા વિરૂધ બોલવાથી બચાવ, અને અમોને એવા કામો કરવાની તૌફીક આપ કે જેના કારણે અમારી ખામીઓ તારી બેહિસાબ મહેરબાનીથી દૂર થઇ જાય, અને તે કામો માટે કાફ્ફરો બને જે કામો તને નાપસંદ છે,
અય અલ્લાહ ! મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, આ મહિના થકી અમારા દુઃખને દૂર કર, તેમજ આ ઈદના દિવસે અમારા ઉપર બરકતો નાઝીલ કર, આ દિવસને સૌથી બહેતરીન ગુજારેલો દિવસ, માફીનો દિવસ, અને ગુનાહોની નાબુદીનો બહેતરીન દીવસ બનાવ, તેમજ તું અમારા જાહેર તથા છુપા ગુનાહોને માફ કર,
અય મારા અલ્લાહ ! આ મહિનો પૂરો થવાના સાથે જ અમોને ગુનાહોથી પાક કર, આ મહીનો ખતમ થવાના સાથે જ અમારી બુરાઈઓને ખતમ કર, આ મહિનામાં સૌથી વધારે ખુશનસીબ અને વધારે લાભ ઉઠાવાનારોમાં મને શામીલ કર,
અય અલ્લાહ ! જે લોકો આ મહિનાના હકનો ખયાલ રાખ્યો તેનો એહતેરામ કર્યો. તેના એહકામ ઉપર પૂરી રીતે અમલ કર્યા, અને ગુનાહોથી જે રીતે બચવું જોઈએ એ રીતે પોતાને બચાવ્યા, અને યોગ્ય રીતે તારી બારગાહમાં હજાર થયા, તો તું તારી ખુશીનો હકદાર બનાવ્યો, અને તેના ઉપર તારી રહેમત નાઝીલ કરી, તેથી તારા ખઝાનામાંથી એવીજ જઝા અતા કર, અને તારા ફઝલો કરમથી તેમાં બેહિસાબ વધારો કરીને અતા કર, કેમ કે તારી અતા ખતમ થતી નથી, તારા ખઝાનામાંથી કઈ પણ ઓછું થતું નથી તેમાંથી અતા થતી જ રહે છે, બેશક તારા એહસાનો ક્યારે પણ ખતમ થતા નથી, અને તારી અતા કરેલી નેઅમતો અને બક્ષીશ સારી અને મન ગમતી છે,
અય અલ્લાહ મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અમોને એવો અજર અતા કર જેઓ અજ્ર કયામત સુધી એ લોકોને મળશે જે લોકો માંહે રમઝાનમાં રોઝા રાખ્યા, અને તારી ઈબાદત કરી,
અય અલ્લાહ ! બેશક અમે તારી બારગાહમાં તૌબા કરીએ છીએ, અમારા માટે એ ઈદુલ ફીત્રના દિવસે જેને તું મોમીનો માટે ખુશીનો દિવસ બનાવ્યો છે અને મુસલમાનો માટે ભેગા થઈને ઈબાદત કરવાના દિવસે, અમારા દરેક ગુનાહોની તૌબા જે કરી છે અને જે કરી ચૂકયા છીએ, અને જે ખરાબ નીય્યત દિલમાં કરી છે, તેના જેમ તૌબા કરીએ છીએ જે ફરીથી ગુનાહો ન કરવાનો પાકો ઈરાદો રાખતો હોય અને ફરીથી ગુનાહો તરફ પાછો ન ફરે, એવી તૌબા જે દરેક શકથી પાક હોય, તો હવે અમારી તૌબાને કબુલ કર, અમારાથી રાઝી થઇ જા, અમોને તેના ઉપર મક્કમ રાખ,
અય અલ્લાહ ! જે સઝાથી અમને ચેતવ્યા છે તેનો ખૌફ અતા કર, અને જે કામોમાં સવાબનું વચન આપ્યું છે તેની ઈચ્છા કરવાની તૌફીક અતા કર, જેથી તેની લઝ્ઝતનો સ્વાદ ચાખી શકીએ, અને તારી બરગાહમાં અઝાબથી પનાહ ચાહીએ છીએ, અમોને તારી નજરમાં એ લોકો જેવા બનાવ કે જેઓ તારી બારગાહમાં તૌબા કરનાર છે, અને જેમને તું તારી મોહબ્બત અતા કરી છે, જેમનું ઇતાઆત કરવું કબુલ કર્યું છે, અય ઇન્સાફ કરનારાઓમાં સૌથી વધારે ઇન્સાફ કરનાર,
અય અલ્લાહ ! અમારા માં બાપ, દીની ભાઈઓ જેઓ હાજર હોય કે ગુજરી ગયા હોય, અથવા કયામત સુધી જેટલા પણ આવનાર હોય, બધાયને માફ કર,
અય અલ્લાહ ! અમારા પ્યારા નબી સ. અને તેમની પાક ઔલાદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ જેવી રહેમત તારા નજીકના ફરિશ્તાઓ ઉપર નાઝીલ ફરમાવી છે, એવી રહેમત પ્યારા નબી અને આલે નબી સ. ઉપર નાઝીલ કર જેવી તારા નબીઓ ઉપર નાઝીલ કરી છે, એવી રહેમત પ્યારા નબી અને આલે નબી સ. ઉપર નાઝીલ કર જેવી તારા નેક બંદાઓ ઉપર નાઝીલ કરી છે, બલકે તેનાથી પણ વધારે બહેતર નાઝીલ કર, અય તમામ દુનીયાઓના પાલનહાર, એવી રહેમત જેની બરકતો અમારા સુધી પહોંચે, જેનો લાભ અમને નસીબ થાય, જેના લીધે અમારી દુઆઓ કબુલ થાય, બેશક તું એવો કરીમ છે જેનાથી દુઆ કરી શકાય છે, જે ભરોસો કરે તેના માટે કાફી છે, જે તેના ફઝલના વાસ્તાથી સવાલ કરે તેને વધારે અતા કરે છે, બેશક તું દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે.