બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
આયતલ કુર્સીની ફઝીલત
આયતલ કુર્સીમા રહેલા વિષયો એ દિની તાલીમોનો એક ઊંડો દરિયો છે. એ તેની તિલાવત કરવાની ફઝીલત, તેના માનવજીવન પર પડતા અસરો અને બરકતો વિશે ઘણી હદ સુધી હદીસોમાં ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે.
અલ્લામા તબાતબાઈ ફરમાવે છે કે: આયતલ કુર્સીની મહિમા ઊંડા અર્થો ધરાવતી હોવાનું બયાન કરે છે જેમકે તૌહિદ અને અલ્લાહની કયૂમીયત (હંમેશાં કાયમ રહેવું અને દરેક વસ્તુને સંભાળવી) વિષે છે. આ આયાતમાં અસ્મા ઉલ હુસ્ના ના બધા નામોનું અંતિમ રૂપરેખા અલ્લાહની કયૂમીયત તરફ જ વળે છે.
આ ફઝીલત ધરાવતી આયત ઈસ્લામના પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમ ના જમાનામાં પણ આયતલ કુર્સી ના નામથી ઓળખાતી હતી. આપ હઝરતે ફર્માવ્યું: «કુરઆનની સૌથી મહાન આયત આયતલ કુર્સી છે.»
વધુમાં આપે ફરમાવ્યું: «શબ્દોનો સરદાર કુરઆન છે، કુરઆનના સૂરાઓનો સરદાર સૂરે બકરહ છે અને સૂરે બકરહનો સરદાર આયતલ કુર્સી છે.»
આયતલ કુર્સી હંમેશાંથી મુસલમાનોમાં ખૂબજ મહત્વ વાળી આયત છે કારણ કે ઈસ્લામની તમામ તાલીમો તૌહિદ (અલ્લાહ એક છે) પર આધારીત છે અને આ પવિત્ર આયતમાં તૌહિદને ખૂબ જ અસરકારક રીતે બયાન કરવામાં આવ્યું છે. આ આયતમાં અલ્લાહની જાત, સિફાત અને અફઆલ બધાને સ્પષ્ટ રીતે પેશ કરવામાં આવ્યુ છે.
રિવાયતમાં આવ્યું છે કે હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામે જ્યારેથી આ આયતની ફઝીલત સાંભળી છે ત્યારથી એવી કોઈ રાત નથી ગુજારી જેમાં આયતલ કુર્સી ન પઢી હોય. આ આયતમાં અલ્લાહનું નામ અને તેની સિફતોનું ૧૬ વખત ઉલ્લેખ થયો છે.
શિયા અને સુન્ની બંને તરફથી અલગ અલગ હદીસોમાં આયતલ કુર્સીની તિલાવતની ફઝીલત અને અસરો વિશે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક હાલતમાં ખાસ કરીને:
- નમાઝ પછી
- ઊંઘવા પહેલા
- ઘરમાંથી નીકળતાં સમયે
- તકલીફ કે મુશ્કેલીમાં
- મુસાફરી દરમિયાન
- આંખોની હિફાઝત માટે અને રોગોથી બચવા માટે
આ બધા પ્રસંગો પર આયતલ કુર્સી પડવી મુસ્તહબ ગણવામાં આવે છે.
આયતલ કુર્સી
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને ખુબજ રહેમ કરનાર છે
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ ﴿٢٥٥﴾
(૨૫૫) અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) બધાજનો નિગેહબાન છે, ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર. જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (બધુજ) તેનું જ છે. કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે? તે જે કાંઈ તેમની સામે તથા જે કાંઈ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે. તેની કુરસી (ઈલ્મ અને તાકત) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.
لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴿٢٥٦﴾
(૨૫૬) દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, બેશક હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઈ ચૂકી છે, પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ અને બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સાંભળનાર જાણનાર છે.
اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ﴿٢٥٧﴾
(૨૫૭) જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે, તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોનો સરપરસ્ત શેતાન છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મીના) અંધકાર તરફ લઈ જાય છે. આ (લોકો)જ આગના (જહન્નમના) રહેવાસી છે જેમાં તેઓ હંમેશા રહેનાર છે.
(સૂરે બકરહ — આયત ૨૫૫ થી ૨૫૭)